Nawya.in

nawya

Thursday, February 7, 2008

41)

Download the original attachment
“ પુનર્લેખન અને સંપાદનની માયાજાળ...
મુંબઇ સમાચારમાં આ લેખ દ્વારા આપણા સન્માનન્નીય લેખિકા ધીરુબહેન પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરી છે.સાહિત્યજગતને ધીરુબહેનનો પરિચય આપવાનો ન હોય.
સંગીતક્ષેત્રે રિમીકસની બોલબાલા છે તો સાહિત્યમાં કેમ નહીં ? એ માટે જોઇએ ફકત સાહસ વૃતિ...તમે જે કંઇ કરો તેને વાહ! વાહ ! થી વધાવી લેનારા ચાર,ચૌદ કે ચોવીસ કાંધિયા. જોઇએ...બસ સવારી ઉપડી..આડુઅવળુ જોવાની, જરીકે થંભવાની કે પાછળ ઊડતા ધૂળના ગોટા ગણવાની કશી જરૂર નહીં. આત્મનિરીક્ષણ ને એવી તેવી નમાલી પંચાતમાં પડો જ નહીં... બસ..આગે બઢો...દુનિયા તમારી જયજયકાર કરશે.
પ્રેરણા, પ્રતિભા અને પ્રચંડ પુરુષાર્થથી જે સાહિત્યકૃતિ જન્મી તેનું પુનર્લેખન કરતા વાર કેટલી ? થોડી કાપકૂપ કરો, ભાષાના વાઘા બદલો,કોઇ દયાળુ પ્રકાશક શોધી કાઢો..બસ બેડો પાર. હવેથી એ કૃતિ તમારી. એના પર સમગ્ર અધિકાર તમારા. મૂળ લેખક કયા ખૂણામાં બેઠો બેઠો ઝોકા ખાય છે એ જોવાનું કામ તમારું નથી.પુનર્લેખન કેવો જાદુઇ શબ્દ છે.! આહા! જેને એ કળા આવડી તેને વિક્રય અને વિતરણ આપોઆપ આવડે જ. અરે, ભાઇ, પેલા દળદરી મૂળ લેખકને પનારે પડી રહી હોત તો એ કૃતિ સફળતાના આવા ઉંચા આભને સ્પર્શી શકી હોત ? તમે તો પરાક્રમ કર્યું છે.,પરોપકાર કર્યો છે..મૂળ લેખકનું નામ ખોવાઇ જાય એમાં કશો વાંધો નહીં. સાહિત્યકારને વળી કીર્તિનો મોહ હોતો હશે ? એનું મન ધનમાં નહીં લેખનમાં જ અટવાયેલું રહેવું જોઇએ. વેરાગીની કંથામાંથી તમે એકાદ બે ચીંદરડી ખેંચી લીધી એમાં કશો દોષ નથી. એટલું તમારી જાતને અને જગતને સમજાવી દો એટલે બસ..મામલો પતી ગયો.મગદૂર છે કોઇની કે તમારી સામે આંગળી ચીન્ધે ?
આ કામ તમે ધારો છો તેટલું મુશ્કેલ નથી. કારણકે પ્રકાશકો પણ તમારા જેવા ઉધ્યમી અને અંતરાત્માની ખટપટ વિનાના લહિયા...સોરી..લેખકોની શોધમાં જ હોય છે. એમને એમનો વ્યાપાર ચાલુ રાખવાનો હોય છે. એટલે માલની અછત પાછી પરવડે નહીં. તેથી કેટલીક વાર તેઓ પોતે જ અંગુલિનિર્દેશ કરતા હોય છે કે ક ઇ નધણિયાતી જમીનમાં ખોદકામ કરવાથી કીમતી ધાતુ મળી આવશે. પ્રકાશકો જાણતા હોય છે કે લેખકોને તેમના વિના ચાલવાનું નથી. તેથી તેમની શરતો મોટે ભાગે મંજૂર થઇ જતી હોય છે.
હવે સંચયનો વિચાર કરીએ..કુશળ મુકાદમ જેમ મજૂરોને પકડી લાવે છે અને સાંજ પડયે દનિયુ આપીને રવાના કરી દે છે તેમ સંચયકાર કેટલાક લેખકોને શોધી કાઢે છે અને પ્રકાશકો દ્વારા પાંચ પચાસનું ફરફરિયુ અને છપાયેલી કૃતિની એકાદ નકલ મોકલી આત્મસંતુષ્ટિ અનુભવે છે. અહીં એક વિદ્વતાપૂર્ણ પ્રસ્તાવના લખવાનો શ્રમ લેવો પડે છે. પણ બદલામાં પોતાની જીવનઝરમરમાં બે ચાર નવા પુસ્તકોના નામ ઉમેરાય છે તે ફાયદો કંઇ જેવો તેવો છે ? આખરેતો યાદી જેટલી લાંબી તેટલા તમે મહાવિદ્વાન..! જોકે આ સંચયકારો પાપ કરતા પાછુ વાળીને જોવાના સંપ્રદાયના છે. તે લેખકોના નામનો સમૂળગો લોપ થવા દેતા નથી. કદાચ એ નામોના ઉંજણ વડે તેમની ગાડી સડસડાટ દોડે છે.
સંપાદન એટલે સંચયના કાકાનો દીકરો. કુળ એક મૂળ એક. પ્રથમાક્ષર એક..અને એને માથે મૂકાતું મીંડુ એક. કોઇ કહેશે કાળગ્રસ્ત થઇ ગયેલ કૃતિઓ શોધી,એના હાલી ગયેલ હાડકા- પાંસળા ઠીક કરી એમાં રહેલ સાહિત્યતત્વ તરફ ધ્યાન દોરવું અને હાલના વાચકો તથા લેખકોને એના અમૂલ્ય વારસાથી અવગત કરવા એ શું સારું કામ નથી ?છે..સાડી સાત વાર છે. પણ આમાં શબ્દ બદલાઇ જાય છે. અલબત્ત આમાં ત્રણ સ્થાને “સ “ બિરાજે છે. અને તે પણ બિંદુરૂપી મુગટ સાથે.,પરંતુ ‘સંશોધક’ નામ પડતાની સાથે આપણો અભિગમ બદલાઇ જાય છે. આ તો વિદ્વાનો છે. એમની પ્રીતિ ભાષા પ્રત્યે, સાહિત્ય પ્રત્યે અને દિવંગત લેખકો પ્રત્યે છે. પોતાની કીર્તિ ના વિસ્તાર પ્રત્યે નહીં. તેઓ પરિશ્રમ કરી જાણે છે. અને એકાગ્રતા એ તેમનો સ્વભાવ છે. આપણે તેમને પ્રણામ કરીએ અને એમનું પ્રદાન મૂલવતા શીખીએ.
આપ્ને ચેતતા રહેવાનું છે તે સૂંઠને ગાંગડે ગાંધી થઇ બેસેલા સંચયકારો અને સંપાદનકારોથી. આપણે ઓળખી લેવાના છે પુનર્લેખનના કલાધરોને..જો આપણે વેળાસર નહીં જાગીએ તો આપણી રસાળ,ફળદ્રૂપ જમીન પર આ વિરાટ સ્ટીમ રોલરો ફરી વળશે અને એક વખત એવો આવશે કે આનંદ,આંસુ ,રુધિર અને એકલતાથી રચાયેલ સર્જનાત્મક સાહિત્યના રાજમાર્ગને સમજુ માણસો દૂરથી જ નમસ્કાર કરી દેશે. અને જીવવા માટેના અનેક શાણપણ ભર્યા વિકલ્પોમાંથી એકાદ પસંદ કરી લેશે.
આપણને એ પોસાશે ?
ધીરુબહેન પટેલ.


2 comments:

Anonymous said...
This comment has been removed by the author.
સુરેશ જાની said...

Read her bio data -
http://sureshbjani.wordpress.com/2008/02/09/dhiruben_patel/