Nawya.in

nawya

Tuesday, June 4, 2013

‘સ્વીચ ઓફ’ – વાર્તા સ્પર્ધા પ્રથમ વિજેતા


જ્યારથી રીતુની હાલત જોઇ હતી ત્યારથી મને દીકરા ન હોવાનું કદી દુ:ખ નહોતુ થયુ . આમ તો મે પોતે જ ત્રણે સુવાવડો વખતે દીકરી માંગી હતી અને પ્રભુએ એ ઇચ્છા પૂરી પણ કરી હતી. મારા સાસુ ફક્ત પહેલી દીકરી વખતે હોસ્પિટલમાં આવ્યા હતા..બીજી બંને સુવાવડ વખતે દીકરી આવવાનાં સમાચાર સાંભળીને જ તેઓ કહી દેતા કે પાંચ દીવસ પછી ઘરે જ આવવાની છે ને ત્યારે જોઇશું જ ને, મને ત્યારે દુ:ખ ન થતુ પણ હસવુ આવતુ કે હજી આવી માનસીકતા ધરાવતા સાસુ ઓ છે ખરી .. હોળીને દિવસે એકટાણુ કરવાનું હોય, પણ કહેવાય છે કે ફક્ત દીકરાની મા એ. એટલે સવારના જ મહેણાનો વરસાદ શરુ થઈ જતો ” આશા , મારે તો આજે એકટાણુ છે હો, મારુ જમવાનું ન બનાવતી , ફક્ત તારુ અને દીકરી ઓ નુ બનાવજે..” આગળનું મારે સમજી જવાનું હોય.. બસ હોળી ને દિવસે હુ આ વાક્ય ની જ રાહ જોતી હોવ.
મારા સાસુ માટે તો આ વાક્ય બોલે એટલે કદાચ હોળી નાં રિવાજ પુરા થયા હોય એવુ લાગતુ અને હવે તો મને પણ એવું જ લાગતુ કે તેઓ ન બોલે ત્યાં સુધી મને સુખ ન પડતુ.. હવે તો મે જ કહેવાનું શરુ કરી દીધુ હતુ કે ” બા તમારી માટે શું ફરાળ બનાવું , મારે તો એકટાણુ છે નહી ..” બા સમસમીને બેસી જતા કે એમણે મહેણુ મારવાનો મોકો ગુમાવી દીધો હતો.. ચાર વર્ષ પહેલા અમારી વચ્ચે નો આ સંવાદ બંધ થયો. કારણ હોળીનાં દિવસે જ મારા પતિદેવ એટલે કે એમનાં સુપુત્ર જે રજા નાં કારણે ઘરે હતા તે કોઇક વાત પરથી બા પર બહૂ ગુસ્સે થયા. બા એટલા ડરી ગયા કે ક્યાંક દીકરો મારી ન બેસે. છેલ્લે મારાથી સહન ન થયું એટલે હું વચમાં પડી ને મે મારા પતિદેવ ને કહ્યુ” શું જાવનવર વેળા પર ઉતર્યાં છો. જે મા તમારી માટે આટલા વર્ષો થી એકટાણા કરતી આવી છે એને માન આપવાને બદલે તમે આવું વર્તન કરો છો .આ તો બા છે કે ચલાવી લે છે મારા જેવી મા હોત તો બે લાફા પડી ગયા હોત મારા દીકરાને,મારા પતિદેવ હકીકત માં જાણે મારા આવા સ્વરુપથી ડઘાઈ જ ગયા. અને પગ પછાડતા ઘર માં થી બહાર ચાલ્યા ગયા,કદાચ એમણે કદી વિચાર્યું જ નહી હોય કે હું બા નો પક્ષ લઈશ ..પણ બા મારા સાસુ પછી પણ એક સ્ત્રી પહેલા હતા..ને એક સ્ત્રી પરનો અત્યાચાર હું કેવી રીતે સહન કરી લઉ. શૈલેષ નાં નીચે ગયા પછી મે જોયું બા ધ્રુજતા હતા મે એમની પાસે જઈને એમનાં હાથ પર હાથ રાખ્યો અને એ મારી સાથે વળગી પડ્યા અને મારી સાળી નો પાલવ એમનાં આંસુઓથી ભિંજાઇ ગયો એ જોઇને મને બહુ દુખ થતુ હતુ કે એક સ્ત્રી શું આ માટે જ દીકરા ને જન્મ આપે છે તે જ દિવસ થી તેમણે એકટાણા છોડી દીધા અને મે એ માટે પણ મે તેમને કંઇ ન કહ્યું .ત્યારે બા એ પહેલી વાર કહ્યું ” આશા , સારુ છે તારે દીકરો નથી” આ વાક્યની અંદર છુપાયેલ વ્યથા મને સમજાતી હતી , પણ હકીકત કહુ તો કોઇના પણ દીકરાનાં લગ્નમાં જાવ ત્યારે મારી આંખમાં થી પણ બે ટીપા આંસુનાં સરી જ પડતા. મને એક વાર તો મનમાં થઈ જતુ કે જો મને પણ દીકરો હોત તો હું પણ વહુ લાવી હોત . પણ એ આંસુની વાત નીલુ સિવાય કોઇને નહોતી ખબર. એટલે જ નીલુએ પોતાનાં દીકરાનાં લગ્ન વખતે બધી વીધી માં મને આગળ પડતી રાખી હતી .. પણ જેમ જેમ દિવસો જતા ગયા ખબર પડવા લાગી કે નીલુ ની વહુ માથાભારે હતી નીલુનાં વર તો અવસાન પામ્યા હતા. પણ વહુ પ્રિયા, નીલુ અને એના દીકરા વચ્ચે બહૂ ઝઘડા લગાવતી હતી . નીલુ જ્યારે આવે ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડતી. મને પ્રિયા પર ગુસ્સો આવતો અને એનાથી વધારે એનાં દીકરા પર કે આટલા વર્ષો મા સાથે રહ્યો અને હવે કાલની આવેલી બૈરી નો થઈ ગયો..એમ થાતુ કે નીલુનાં ઘરે જઈને બંને પર ગુસ્સો કરુ પણ નીલુ ના પાડતી કે એનાથી ઘરમાં વધારે ઝઘડા થશે થોડોક વખત પહેલા એક પ્રસંગમાં બધા ભેગા થઈ ગયા. પ્રિયા અને આકાશ મને પગે પણ લાગ્યાં એમને આશીર્વાદ આપવાની કોઇ ઇચ્છા નહોતી પણ નીલુનાં ઇશારા નાં કારણે હાથ માથા પર રાખવો જ પડ્યો પણ હું એમની સાથે વધારે વાર બેસી ન શકી હું બહાનું કાઢીને દૂર ચાલી ગઈ પણ જેટલી વાર પ્રિયા પર નજર પડતી ત્યારે મે જોયુ એ મારી સામે જ જોતી જ હતી એ વાતને અઠવાડીયુ વીતી ગયું .
ટ્રીન ટ્રીન ટ્રીન ટ્રીન
આંખ ચોળીને હું ઉભી થઈ . ઘડિયાળમાં નજર ગઈ તો સવારનાં ચાર વાગ્યા હતા. જરૂર રોંગ નંબર હશે બે મિનિટ એમ થયું કે
પાછી સુઇ જાવ પણ રીંગ બંધ થવાનું નામ જ નહોતી લેતી આખરે મે ફોન ઉપાડ્યો. “આશા, નીલુ બોલુ છુ , જલ્દી ઘરે આવ , પ્રિયાએ આત્મહત્યા કરી લીધી છે , ને આકાશ બહારગામ ગયો છે મને બીક લાગે છે કે એ મારી માટે કંઇ લખીને તો નહી ગઈ હોય ને , પોલીસ મને પકડીને લઈ તો નહી જાય ને, તુ જલ્દી આવ બસ.હું સફાળી બેઠી થઈ ગઈ કે આ શું થઈ ગયું ? શું કામ થયું ? વધારે વિચાર કરવા કરતા હું જલ્દી કપડા બદલી ને નીલુનાં ઘરે જવા નીકળી ગઈ પ્રિયાએ બેગોન સ્પ્રે પી લીધુ હતુ . પ્રિયાની આવી હાલત જોઇને મને અરેરાટી થઈ ગઈ . પણ હવે મારુ કામ હતુ કે એની સ્યુસાઈડ નોટ શોધવાનું , મારી દોસ્તી એ મને સ્વાર્થી બનાવી નાંખી હતી . નોટ વધારે ગોતવી ન પડી . ડ્રેસીગ ટેબલ પર જ એક કાગળ ઘળી વાળેલો પડ્યો હતો . પોલીસ કેસ હતો થોડી સાવચેતી જરૂરી હતી મે ગ્લોવ્સ પહેર્યા ને પત્ર વાંચ્યો ” મારા મ્રુત્યુ માટે કોઇંપણ જવાબદાર નથી , મને બાળક થવાનું છે પણ હું એને કદાચ બરોબર સંભાળી નહી શકુ એવા નકારાત્મક વિચારો મને પજવતા હતા એટલે મેં આ પગલુ ભર્યું છે તો મારા ઘરનાં ઓ ને હેરાન કરશો નહી . પ્રિયા સચદેવ પત્ર ઠેકાણે મુકીને જલ્દી જલ્દી ગ્લોવ્સ કાઢી નાંખ્યા. હવે મને અને નીલુ ને હાશ થઈ કે પત્રમાં એવુ કંઇ જ નહોતુ લખ્યુ જેનાથી નીલુને તકલીફ થાય. મને અચરજ એ થતુ હતુ કે પ્રિયા મા બનવાની છે એ મને આજે ખબર પડી હતી કેમ નીલુએ મને કહ્યું નહી હોય . પણ પ્રિયાને પોતાના ઉપાડા પોતાને જ નડ્યા . મને દુહ પણ થતુ હતુ કે બે આત્મહત્યા થઈ હતી . સૌ પ્રથમ આકાશને ફોન કર્યો એ ઘરે આવવા નીકળી ગયો પછી પડોશીને ઉઠાડ્યા પછી પોલિસને ફોન કર્યો . પત્રને લીધે વધારે પુછપરછ થઈ નહી . મ્રુતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો . પાંચ કલાકે બોડી મલી , અગ્નિદાહ દેવાઈ ગયો . એકવાર તો એવો પણ વિચાર આવી ગયો કે હાશ હવે મારી નીલુ ની તકલીફ ઓછી..આ બનાવને ત્રણ ચાર દિવસ વીતી ગયા. હું મારા ઘરમાં બેસીને ટીવી જોતી હતી. ત્યાં ઘરની બેલ વાગી . ૧૩ દિવસ નીલુ તો આવવાની નહોતી તો કોણ હશે , હું વિચારતી વિચારતી દરવાજો ખોલવા ગઈ સામે પોસ્ટમેન ઉભો હતો , મને એક કવર આપ્યું . મારા નામથી કોઇ કવર મોકલે એ વિચારીને જ મને હસવુ આવી ગયુ. હજી મને પત્ર લખવાવાળુ કોણ બચ્યું છે એ જોવાની મને પણ ઇંતેજારી થઈ . કવરની પાછળ મોકલવાવાળા એ પોતાનું નામ પણ નહોતુ લખ્યું . મે કવર ખોલ્યું
હું પ્રિયા તમારી નીલુની વહુ ..
આટલુ વાંચીને જ મને ચક્કર આવી ગયા . આ શું ? પ્રિયા તો હવે ક્યાં છે ?
મેં તરત નીલુને ફોન લગાડ્યો પણ ત્યાં ગીતાજી વંચાતા હશે એટલે નીલુ એ ફોન ઉપાડ્યો નહી . મે પત્ર વાંચવાનું શરુ કર્યું
આંટી, તમે આ પત્ર વાંચશો ત્યારે હું હયાત નહી હોવ . પણ આંટી તમને સત્ય વાત કહ્યા વગર મરવાની ઇચ્છા નથી અને તમે તો મારી સાથે વાત કરતા નથી તો કેવી રીતે કહુ એટલે પત્ર લખીને જઇશ . કારણ તમે પણ મને જિંદગી ભર ખરાબ સમજો એ મારાથી સહન નહી થાય . આંટી હું ગરીબ ઘરની દીકરી . મારા પપ્પા પગારદાર વ્યક્તિ , મારાથી નાની બે બહેનો , તમારી નીલુ અને આકાશ ની માંગણીઓ રહેતી કે આકાશને ધંધા માટે પૈસાની સગવડ કરી આપે કે જે હું મારા પપ્પાને કહેતી નહી એટલે તમારી નીલુ એ મને ખરાબ કહેવાનું શરુ કર્યું . પહેલા ફ્કત માનસિક ત્રાસ આપતા હતા હવે શારિરીક શરુ થઇ ગયો હતો . એમાં મારે બાળક આવવાનાં સમાચા મળ્યાં . મારે મારા બાળકને આ ઘરમાં જન્મ નહોતો આપવો ને હું પણ ત્રાસી ગઈ હતી એટલે મે આ રસ્તો અપનાવ્યો. આંટી તમે તો હંમેશ સચ્ચાઈ માટે લડ્યા છો તો કેમ કોઇ દિવસ મારા પક્ષે ન વિચાર્યું . તમારી નીલુ તમારી પાસે ધ્રુસકે ધ્રુસકે રડતી એટલે તમે એમને સાચુ માની લીધુ., મે તમારી બહુ રાહ જોઇ કે તમે તમારી નીલુનો પક્ષ લેવા પણ મારી પાસે આવશો ત્યારે હું તમને હકીકત જણાવી દઈશ પણ ન તમને મારા સુધી કે મને તમારા સુધી ક્યારેય પહોચવા જ દેવામાં આવ્યાં પણ આંટી એક વાત માગુ છુ આજે કે આવતા જન્મે તમે મારા સાસુ બનજો ને .. આ પત્ર વાંચીને ફાળી નાંખજો , મારે એમને સજા નથી કરાવવી . ઉપરવાળો પોતે સજા દેશે એમને . પણ જો આકાશ નાં બીજા લગ્ન કરાવે તો તમે સંભાળજો , એટલે તમારી આંખ પરથી નીલુ નાંમનાં આંધળા ભરોસાની પટ્ટી મારે હટાવવી હતી .
તમારા આવતા જન્મની વહુ પ્રિયા સચદેવ
આ બધુ વાંચેલુ મને માનવામાં નહોતુ આવતુ . મારી આંખમાં થી આંસુ વહેવાનાં બંધ નહોતા થતા . આટલી મોટી ભૂલ મારાથી કેવી રીતે થઈ ગઈ ? મે કેમ પ્રિયાનાં પક્ષે કદી ન વિચાર્યું ? અફસોસ થતો હતો કે નીલુ કરતા તો મારા સાઉ સારા હતા . હું ઉભી થઈ , મોઢુ ધોયું ને પ્રિયાનો પત્ર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આવી . થોડી જ વારમાં મારા મોબાઇલ પર નીલુ નાં અને આકાશનાં ફોન આવવા લાગ્યાં . મે મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યોં કે જે મારા તરફથી પ્રિયાને શ્રંધાંજલી હતી
નીતા કોટેચા (મુંબઈ, મહારાષ્ટ્ર)